
· ચાંપાનેર : વર્લ્ડ હેરિટેજ
પંચમહાલ જિલ્લામાં આવેલું ચાંપાનેર ઐતિહાસિક નગર છે. ઇતિહાસનું પગેરું સોલંકીયુગથી પણ આગળ ચાવડા વંશના-વનરાજ ચાવડા સુધી પહોંચે છે. પિતા જયશિખરી યુદ્ધમાં માર્યા ગયા અને સગર્ભા રાણી-માતાએ વનમાં દીકરાને જન્મ આપ્યો. તેથી તે કહેવાયો વનરાજ. પોતાનું રાજ્ય પાછું મેળવવામાં મદદરૂપ થનારા ચાંપા વાણિયાની યાદમાં તેણે ચાંપાનેર વસાવ્યું. રાજધાની અણહિલપુર પાટણથી એકાવન હાથીની સવારી સાથે આવેલા વનરાજ ચાવડાએ આ નગરનું શિલારોપણ કર્યું હતું. એક જમાનામાં સમૃદ્ધનગર હતું – જાહોજલાલી અને ખુશહાલીથી ધબકતું હતું. પણ આજે તો કિલ્લો, મસ્જિદ, મંદિર જેવા સ્મારકો અવશેષો સિવાય બીજું કશું જ નથી. મહેમૂદે બંધાવેલી જુમ્મા મસ્જિદ ઇન્ડોસાર્સેનિક કૌશલ્યનો અલભ્ય નમૂનો ગણાય છે. પાવાગઢ પર્વતની ઊંચી મોલિયા ટૂકથી આરંભાતું આ શહેર માંચી હવેલીના મેદાનથી છેક તળેટી સુધી વિસ્તરેલું હતું. પતાઈ રાવળે બાંધેલો મહેલ એ સમયે અનન્ય ગણાતો હતો. સાત માળનો આલીશાન મહેલ આજે તો સમયની થપાટ ખાઈ ખાઈને ખંડેર બની ગયો છે. કાલી મંદિરથી પૂર્વે ઢાળ ઊતરતાં આ ખંડેરો જોવા મળે છે. આજે પણ અજાયબ લાગે એવી એક ઈમારત છે અધ્ધર ઝરૂખો....! શિખરની ધાર પર બંધાયેલી આ ઇમારત જાણે ખીણ પર લટકતી હોય તેવી લાગતી હોવાથી અધ્ધર ઝરૂખા તરીકે ઓળખાય છે. એક જમાનામાં ચૌહાણોનો આ રંગમહેલ હતો. અહીં કાલીમંદિર પણ છે. સૌથી રસપ્રદ બાબત તો એ છે કે સૂરસમ્રાટ બૈજુ બાવરો ચાંપાનેરની માટીની પેદાશ હતો

No comments:
Post a Comment